દેશમાં 18 વર્ષથી વધુ વયના 84 ટકાથી વધુ પાત્ર લાભાર્થીઓએ કોવિડ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે, 97 ટકા પાત્ર લાભાર્થીઓને રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ પ્રથમ ડોઝ મળ્યો છે. જો કે, 18 વર્ષથી વધુ ઉંમરના બે કરોડ 60 લાખ પાત્ર લાભાર્થીઓએ રસીનો એકપણ ડોઝ લીધો નથી. મંત્રીએ ઉમેર્યું કે 15 થી 18 વર્ષની વયના 51 ટકાથી વધુ લાભાર્થીઓને કોવિડ રસીના બંને ડોઝ મળ્યા છે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં ડૉ. માંડવિયાએ કહ્યું કે, કોવિડ રોગચાળા દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ નોંધવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતો આપવા વિનંતી કરી છે. કોઈએ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુની જાણ કરી નથી. મંત્રીએ કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ પીએસએ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. (AIRNEWS)