પ્રધાનમંત્રી મોદીએ ત્રિપુરામાં બ્રુ-રિયાંગ શરણાર્થીઓને કાયમી વસવાટ કરવા દેવા સમજૂતીને આવકારી

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રુ-રિયાંગ શરણાર્થીઓના ત્રિપુરામાં કાયમી વસવાટ અંગે સધાયેલી સમજૂતીને આવકારી છે. ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે, આમ થવાથી બ્રુ-રિયાંગ શરણાર્થીઓને સરકારી યોજનાઓના લાભ મળશે.
કેન્દ્ર સરકાર ત્રિપુરા રાજ્ય, મોઝરમ તથા બ્રુ-રિયાંગ સમુદાયના લોકો વચ્ચે આ સમજુતી ઉપર ગઈકાલે દિલ્હીમાં હસ્તાક્ષર થતાં છેલ્લા 22 વર્ષથી ચાલી રહેલ વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમીત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી બીપ્લવકુમાર દેવ, મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજુતીની જોગવાઈ મુજબ 30 હજારથી વધુ બ્રુ-રિયાંગ શરણાર્થીઓને ત્રિપુરામાં કાયમી વસવાટની મંજુરી અપાઈ છે. ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, બ્રુ-રિયાંગ લોકા પુનર્વસન માટે કેન્દ્ર સરકારે 600 કરોડ રૂપિયાનું પેકેજ મંજુર કર્યું છે.
આ પેકેજ હેઠળ આ શરણાર્થીઓને 30x40 ફૂટનો પ્લોટ, ચાર લાખ રૂપિયા થાપણ સ્વરૂપે, બે વર્ષ સુધી પાંચ હજાર રૂપિયા સહાયરૂપે દર મહિને મળશે તેમજ વિનામૂલ્યે રેશન અપાશે. શ્રી શાહે જણાવ્યું કે, આ સમજુતી બાદ લાંબા સમયથી ચાલ્યો આવતો વિવાદ હવે પૂરો થયો છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્ર સરકાર ઈશાન ભારતના ઘણા વર્ષોથી પડતર મુદ્દાઓ ઉકેલવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનિય છે કે, મીઝોરમથી ત્રિપુરા ગયેલા બ્રુ-શરણાર્થીઓ વર્ષ 1997થી ત્રિપુરામાં વસવાટ કરી રહ્યા છે. (AIR NEWS)

31 Days ago