બંગાળની ખાડીમાં ઉભું થયેલું હવાનું હળવું દબાણ આજે રાત્રે વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે તે 12 કિલોમીટરની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને પોર્ટ બ્લેરથી લગભગ 520 કિમી દૂર કેન્દ્રિત છે. તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આવતીકાલે સવાર સુધીમાં ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થશે અને મધ્યરાત્રિ સુધીમાં બંગાળની ખાડીમાં ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. જો કે શુક્રવાર સવારથી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ઉમેર્યું છે કે શનિવાર સાંજથી તે થોડું નબળું પડી શકે છે અને રવિવારે બપોર બાદ બાંગ્લાદેશ અને મ્યાનમારને પાર કરી જશે. આ દરમિયાન 110 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દરમિયાન, બાંગ્લાદેશના હવામાન વિભાગે ચટ્ટોગ્રામ, કોક્સ બજાર, મોંગલા અને પાયરાના દરિયાઈ બંદરોને સાવચેતીરૂપે એક નંબરનું સિગ્નલ ફરકાવવાની સલાહ આપી છે. સમુદ્રમાં માછીમારી કરતી તમામ બોટ અને ટ્રોલર્સને દરિયાકાંઠાની નજીક રહેવા અને સાવધાની સાથે આગળ વધવાની સલાહ આપી છે તથા ઊંડા સમુદ્રમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. (AIR NEWS)