A part of Indiaonline network empowering local businesses

ભારતના ચંદ્રયાનનું ચંદ્રની સપાટી ઉપર આજે સાંજે ઉતરણ થશે

News

ભારત, ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડરના ચંદ્રમાની સપાટી ઉપરના ઉતરાણના આજે સાંજે 6 વાગીને 4 મિનિટે થનારા આશાસ્પદ અને યાદગાર પ્રસંગને નિહાળવા આતુર છે.
ઇસરોએ એક ટ્વીટમાં જાહેર કર્યું છે કે, ત્રીજું મૂનમિશન તેના નિર્ધારીત સમયપત્રક પ્રમાણે આગળ વધી રહ્યું છે. અને ચંદ્રમા પર સરળતાથી ઉતરાણની ઘડીઓ ગણાઇ રહી છે. બેંગલુરૂ સ્થિત મિશન ઓપરેશન્સ કોમ્પલેકસમાં કાર્યવિધી તેજ બની છે. પ્રજ્ઞાન રોવરને લઇ જતા વિક્રમ લેન્ડર તેના નિર્ધારિત અંતિમ ધ્યેયને પાર પાડે તેની રાહ જોવાઇ છે. ઇસરોએ આશરે 70 કિલોમીટરની ઉંચાઇ પરથી લેન્ડર પોઝિશન ડિટેકશન કેમેરાએ મોકલેલી ચંદ્રની કેટલીક તસ્વીરો પણ રજૂ કરી છે. આ તસ્વીરો લેન્ડર મોડયૂલ વિક્રમને તેના ઉતરાણની ચોક્કસ જગ્યા નક્કી કરવામાં મદદ મળશે.
ચંદ્રની સપાટી પર ભારતના ચંદ્રયાનના ઉતરાણનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશભરમાં તેને લઈને લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. રાજ્યભરમાં આ ઐતિહાસિક ઘટનાના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ સિટી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલોજિ- ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ભારતના ચંદ્રયાન મિશન અંગે આજે એક ખાસ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આકાશવાણી સાથે વાત કરતાં, ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો વ્રજેશ પરીખે જણાવ્યું કે, લોકોમાં ચંદ્ર પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઇ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પણ વિદ્યાર્થીઓ માટે આ ઘટનાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અમદાવાદ અંકુર હોબી સેન્ટર દ્વારા અમદાવાદનાં નારણપુરામાં એક ખાસ કાર્યક્રમ યોજાશે, જેમાં ઇસરોના સ્પેસ એજયુકેટર ધનંજય રાવલ દ્વારા ચંદ્રયાન મિશન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. (AIR NEWS)

37 Days ago