ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 નું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સફળ પ્રક્ષેપણ કરાયું. ઇસરોએ PSLV C57 મારફતે આદિત્ય L-1 નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ સાથે ભારતે સૂર્યના અભ્યાસના મિશન તરફ એક પગલું ભર્યું છે.
આદિત્ય L-1 ચાર મહિનાના સમયગાળામાં લેગ્રેન્જ 1 પોઈન્ટ સુધી પહોંચશે અને સૂર્યના વાતાવરણ, તેના પર્યાવરણ અને તેની સાથે સંબંધિત દરેક વસ્તુનો અભ્યાસ અને સંશોધન કરશે. 1500 કિલો વજનનું અવકાશયાન સૂર્યના વાતાવરણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા માટે સાત પેલોડ વહન કરે છે. આ ઉપકરણો સૂર્યના વિવિધ ભાગોનો અભ્યાસ કરશે, જેમાં તેના બાહ્ય સ્તર કોરોનાનો સમાવેશ થાય છે, આ અભ્યાસો સૌરમંડળની ગતિવિધિ ગ્રહો વચ્ચેની જગ્યાને કેવી રીતે અસર કરે છે તે વિશે જાણવામાં મદદ કરશે. આદિત્ય L1 પેલોડ્સથી સૂર્યના વિવિધ પાસાઓ વિશે નિર્ણાયક માહિતી મળવાની શક્યતા છે.
આદિત્ય L-1 ને લઈ જતું PSLV C 57 XL વેરિઅન્ટ છે, જેમાં વધુ પ્રમાણમાં ઇંધણ વહન કરવા માટે લાંબી સ્ટ્રેપ-ઓન મોટર્સ છે. PSLV-XL વેરિઅન્ટનો ઉપયોગ 28 સપ્ટેમ્બર 2015ના રોજ ભારતની પ્રથમ અવકાશ ખગોળશાસ્ત્ર વેધશાળા એસ્ટ્રોસેટને લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિત્ય એલ-વનના સફળ પ્રક્ષેપણ માટે ઇસરોના વૈજ્ઞાનિકો અને એન્જીનીયરોને અભિનંદન પાઠવ્યા છે. (AIR NEWS)