રાજયના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને યથાવત રહેતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.
ગઇકાલે સૌથી વધુ 10 ઇંચ વરસાદ વલસાડમાં નોંધાયો છે. આ ઉપરાંત ખંભાળીયા અને વિસાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. કપાડામાં સાત ઇંચથી વધુ તો ધરમપુર, કલ્યાણપુર, જૂનાગઢ, દ્વારકા, રાણાવાવ તેમજ મહુવામાં બે થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજયભરમાં સાર્વત્રિક વરસાદને પદલે જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક વધી છે, શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ભાવનગર શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે.
ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફલો થતા આસપાસના ગામોમાં લોકોમાં આનંદ વ્યાપ્યો છે.
નવસારી જીલ્લાના ચીખલી, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ખેરગામમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જીલ્લાની અંબિકા, પૂર્ણ અને કાવેરી નદીઓમાં નવા નીરની આવક થતા જળસપાટીમાં થોડો વધારો થયો છે. જિલ્લાના જુજ ડેમ તથા કેલીયા ડેમના જળસ્તરમાં પણ વધારો થયો છે.
દરમ્યાન, અમરેલી તાલુકાના સોનારીયા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રાજય સરકાર દ્વારા 4 લાખ રૂ. સહાયનો ચેક અર્પણ કરાયો છે.
એ જ રીતે, જામકંડોરણા તાલુકાના રાયડી ગામે ભારે વરસાદમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરીવારને પણ 4 લાખ રૂ.ની સહાય આપવામાં આવી છે. (AIR NEWS)