A part of Indiaonline network empowering local businesses

રાજ્યના ઉત્તર- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ

news

રાજ્યના ઉત્તર- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, ભરૂચ, સાબરકાંઠા, પોરબંદર, વલસાડ સહિત અનેક સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દ્વારકા જીલ્લાના ખંભાળિયા, કેશોદ, ફોટ, વિંજલપર, ભાડથર, ઠાકર, સેરડી, ભાણવારી, ગુંદા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની વરસાદ પડ્યો હતો. સતત વરસાદથી અનેક ચેક ડેમો તેમજ નદીનાળા છલકાયાના સમાચાર છે.
ઉપરાંત કચ્છના માંડવીમાં ગઢશીશા અને નખત્રાણા પંથકમાં એક કલાકમાં આશરે સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો.. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તો અરવલ્લીના મેઘરજના રામગઢી ગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડા અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
નવસારીના વાંસદા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સીતાપુર, ખાંભલા ધરમપુરી, સરા,મહુવાસ, નવતાડ, ગોધાબારી સહિત અનેક ગામોમાં માવઠુ થયું હતું. કેરી સહિત ઉનાળુ પાકોને નુકસાન થવાની ભીતી છે. તો સવારથી જ ડાંગ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જીલ્લાના બોરખેત, નીલ્સાખ્યા, ચનખલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં આજે વાતાવરણ અશંત વાદળછાયુ રહેશે, મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે ગઇકાલે અમદાવાદ શહેરમાં તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયુ હતું. (AIR NEWS)

27 Days ago