રાજ્યભરમાં આજે ઉત્તરાયણની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે

News

રાજ્યભરમાં આજે ઉત્તરાયણની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. ધાર્મિક પરંપરા અનુસાર, આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ. રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારને લઇને ગઇકાલે બજારોમાં પતંગ-દોરાની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકો પતંગ-ફિરકીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. આજે સવારે પાલડી અને ખોખરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બીજલબહેન પટેલે પતંગ ઊડાડી ઊતરાયણની મજા માણી હતી. ભાવનગરમાં આજે વહેલી સવારથી લોકો પતંગ ચગાવાની સાથે વિવિધ વાનગીઓની મજા માણી ઉલ્લાસભેર ઉતરાયણની ઉજવણી કરી રહ્યા છે. પવન હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જગત મંદિર દ્વારકા ખાતે આજે ભગવાન દ્વારકાધીશને પતંગ દોરાનો શ્રૃંગાર કરાયો હતો. તેમને ચાંદીની ફીરકી અને ચાંદીનો પતંગ ધરાયો હતો. રાજ્યભરમાં પરંપરાગત પતંગો ઉપરાંત નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફાટોવાળા જોડી નંબર વન પતંગ, ચોકીદાર મોદીના ફોટાવાળા પતંગ, બેટી બચાવો જેવા સામાજિક જાગૃતિ લાવનાર પતંગો સહિત વિવિધ પતંગોનું વેચાણ થયું હતું. અમારા નવસારીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ઉતરાયણ પહેલાં જ સોળ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા જેમાંથી 15 પક્ષીઓને બચાવી લેવાયા હતા. પક્ષીઓ ઘાયલ ન થાય એ માટે સરકારની કરૂણા એમ્બ્યૂલન્સ નવસારીની કરૂણા સેવા, એનિમલ સેવિંગ્સ ગ્રૂપના સભ્યો તેમજ અનેક યુવાનો આજના દિવસે પક્ષીઓને બચાવા તત્પર રહ્યા છે. (AIR NEWS)

44 Days ago