રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક જળાશયોમાં જળ સંગ્રહ વધ્યો છે, તો કેટલાંક જળાશયો ઓવરફ્લો થયાં છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શકયતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતીભારે વરસાદ વરસવાની શક્યતા છે. પાટણના સાંતલપુરમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને ખેતરો અને ગામડાઓ પણ વરસાદી પાણીથી જળબંબાકાર બની ગયા છે. રાધનપુર તાલુકામાં બે ઇંચ, હારીજમાં ૨૩ અને શંખેશ્વર પંથકમાં ૨૨, તેમજ સમી વિસ્તારમાં ૧૬ મીલીમીટર, ચાણસ્મા પંથકમાં છ અને સરસ્વતી તાલુકા વિસ્તારમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં ધારી ખાંભા સાવરકુંડલા ,ધારીગીર જંગલ આસપાસના મોટાભાગના ગામડામાં અને જંગલ વિસ્તાર, વડીયાના દેવળકી, બાટવા, દેવળી, ભૂખલી સાથળી, સહિત ગામડામાં સારો વરસાદ પણ પડ્યો હતો. ભાદર-2 ડેમના 4 દરવાજા ખોલાતા કુતિયાણા તાલુકાના 11અને પોરબંદર તાલુકાના 4 ગામોને સાવચેત કરાયા છે. ધાતરવડી ડેમ 2 માં પાણીની આવક વધતા 2 દરવાજા ખોલ્યા બાદ નીચાણ વાળા ગામ -ખાખબાઈ, હીડોરણા, છતડીયા, ભચાદર, ધારાના નેસ, ઉંચેયા, રામપરા, વડ, કોવાયા, લોઠપુર, સહિત 10 ગામડાને સાવચેત કરવામાં આવ્યા છે .
રાજકોટ જિલ્લાનો ફોફળ ડેમ ભારે વરસાદને કારણે ભરાઈ જતાં હેઠવાસમાં આવતા જામકંડોરણાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામ તેમજ ધોરાજી તાલુકાના વેગડી ગામોના લોકોએ નદીના પટમાંકે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ જણાવ્યું છે.
પોરબંદરના બરડાપંથકમાં વરસાદને કારણે રસ્તા પર ગોઠણ ડૂબ પાણી ભરાયાં હતા. ભાદર-2 ડેમના 4 દરવાજા ખોલાતા 15 ગામોને સાવચેત કરાયા છે. ભારે વરસાદને પગલે બરડા ડુંગરમાંથી વરસાદી પાણી નીચે આવતા પોરબંદર ભાણવડ રોડ ઉપર ગોઢાણાથી નાગકા વચ્ચે રોડ ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે પોરબંદરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને 3 દિવસ દરિયો નખેડવાની સૂચના અપાઇ છે (AIR NEWS)