શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મંદિર ખાતે 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિર ખાતે ગઇકાલે વહેલી સવારથી દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ગઈકાલ સાંજ સુધીમાં 39 હજારથી વધુ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ રાત્રી સુધીમાં દેશભરમાંથી 50 હજારથી વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.
સોમનાથ મંદિર ખાતે ગઇકાલે 41 ધ્વજા પૂજા, 48 સોમેશ્વર મહાપૂજા તથા 740 રૂદ્રાભિષેક સહિતની પૂજા વિધીઓ નોંધાઇ હતી. તથા સોમેશ્વર મહાપૂજન, રૂદ્રાભિષેક સહિતની પૂજાઓ કરવામાં આવી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓની કતારો લાગી હતી.
દેશ-વિદેશના હજારો ભક્તોએ ઘરે બેઠા ઓનલાઇન દર્શન-પૂજા નો લાભ લીધો હતો. બારસ નિમિત્તે ભગવાન સોમનાથને પવિત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. દરમિયાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલ કથામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન તથા શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.
આ સાથે સૌરાષ્ટ્રના ઘેલા સોમનાથ, જળેશ્વર મહાદેવ સહિતના રાજયોના તમામ શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જળેશ્વર મહાદેવ મંદિર ખાતે ધામધૂમથી પાલકીયાત્રા નીકળી હતી. (AIR NEWS)