A part of Indiaonline network empowering local businesses

​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

news

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માં શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ 'શૈલ' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પર્વત. પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે. તે નવરાત્રીની પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે.

રાજ્યના તમામ તીર્થસ્થાનોમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિની ઉજવણી થઈ રહી છે.

શકિતપીઠ પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવાર અને આઠમે દર્શન સવારે 4 વાગે ખુલશે. તો ચૈત્રી નવરાત્રી ના પગલે તંત્ર ,મંદિર ટ્રસ્ટ અને એસટી વિભાગ સજ્જ છે.

પ્રથમ નોરતે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિએ માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિરના આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના આશાપુરા મંદિરે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ કરાઇ

તો વલસાડના પારનેરા ઉપર ચામુંડા, અંબિકા અને નવદુર્ગા તથા મહાકાળી માતાજીના દર્શન માટે દૂરદૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા. મંદિર સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને તકલીફ ન પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું.

​છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ માં શક્તિના મંદિરોમાં 9 દિવસ ઠેર ઠેર શક્તિની ઉપાસના અને જપ તપ હોમ હવન નવચંડી યજ્ઞ કરવામાં આવશે. જિલ્લાના વડામથક ખાતે નગરની મધ્યમાં કુસુમસાગર તળાવ કિનારે આવેલ 252 વર્ષ જૂના માં કાલિકા માતાનું મંદિરે નવરાત્રિની ઉજવણી કરાઇ.

ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગુડીપડવાની ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરી. આજે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ગુડીપૂજન કર્યુ હતુ. ઘર આંગણે

રંગોળીથી સજાવી પારંપરીક ધ્વજ ગૂડીપતાકા, તોરણો ઘરેઘરે લટકાવી સૂર્યોદય સમયે ગૂડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર, લીમડાની ડાળી,ફુલમાળા બાંધીને ઉપરના છેડે કોરુ વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઉંધો લોટો લટકાવી આંબા, લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનુ પૂજન કર્યું હતુ. આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

ડાંગના આહવા ખાતે ગૂડીપડવા અને ચેત્રી નવરાત્રી પાવન પ્રસંગે વિશાળ જનસંખ્યામાં સંગીતના સુર તાલે માથે જવારા લઇ નાચતા ગાતા શોભાયાત્રા નીકળી હતી. વેશભૂષા ધારણ કરી ડાંગી નૃત્ય કહાળીયા નૃત્ય ઢોલ માદળ પાવરી ની સુરાવલીઓ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ચીખલી-ગણદેવી તાલુકા માં મહારાષ્ટ્રીયન સમાજે નવાવર્ષ ગુડીપડવાની ઉજવણી કરી. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.સૌએ એકમેક ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી (AIR NEWS)

251 Days ago