અમિત શાહે ગાંધીનગરમાં નાસ્મેદ ગામે ભારતીય કૌશલ્ય સંસ્થાનનો શિલાન્યાસ કર્યો.

News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગરમાં નાસ્મેદ ગામે ભારતીય કૌશલ્ય સંસ્થાનનો શિલાન્યાસ કર્યો. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં શ્રી અમિત શાહે જણાવ્યુ હતું કે આ સંસ્થા દેશમાં રોજગારીનો રાજમાર્ગ બનશે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કીલ ડેવલપમેન્ટથી યુવાઓને સમયાનુકુલ રોજગાર આપવાનો નવો માર્ગ ચિંધ્યો છે. યુવાઓની ઉદ્યમશિલતા દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવામાં બળ પૂરૂ પાડશે.
શ્રી શાહે કહ્યું કે આ સંસ્થાના માધ્યમથી મેઇક ઇન્ડિયાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થશે. ગુજરાતની 272 જેટલી આઈટીઆઈ આ સંસ્થા સાથે જોડી અપગ્રેડ કરાશે. આ સંસ્થામાં વર્ષે પાંચ હજાર યુવાનોને વિવિધ કોર્ષ અંતર્ગત તાલિમબધ્ધ કરીને 70 ટકાને નોકરી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં 20 એકર જમીનમાં આ નવી સંસ્થા નિર્માણ પામશે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી, વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ અગ્રણીઓ તેમજ ઉદ્યોગજગતના મહારથીઓ અને ઉચ્ચઅધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (AIR NEWS)

42 Days ago