અમેરિકાએ ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમને મદદરૂપ થવા વધુ અઢી કરોડ અમેરિકન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.
એવી જ રીતે અમેરિકાએ સંરક્ષણ, વેપાર સહિત મહત્વના ક્ષેત્રોમાં ભારત સાથેના વ્યુહાત્મક સંબંધો હજી સુદ્રઢ બનાવવા બાબતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લીન્કને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં અમેરિકાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને અગ્રણીઓએ કોવીડના કારણે ઊભા થયેલા પડકારો, વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો તથા આબોહવામાં પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
શ્રી બ્લીન્કને ગઈકાલે વિદેશમંત્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ સાથેની ચર્ચા અંગે પ્રધાનમંત્રીને જાણ કરી હતી. શ્રી મોદીએ લોકશાહી વ્યવસ્થા ધરાવતા બંને દેશોની મિત્રતાના મહત્વનો ઉલ્લેખ કરીને અમેરિકામાં વસતા ભારતીયોએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવામાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો. (AIR NEWS)