રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૯૩ ટકા વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં અને ડીસા તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ તથા ૪ તાલુકાઓમાં દાંતીવાડા, ખેરગામ, વડગામ, અને પોશીનામાં ૬ ઇંચથી વધુ વરસાદ થયો છે.
જ્યારે મહેસાણા, દાંતા, દીયોદર, સિદ્ધપુર, વલસાડ, ધરમપુર, સતલાસણા, અમીરગઢ, કપરાડા, ઉમરપાડા, દહેગામ, ચીખલી, પારડી, વાપી, ઇડર, બહુચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ અને કાંકરેજમાં આમ કુલ ૧૩ તાલુકાઓમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત નવસારી, વિસનગર, છોટા ઉદૈપુર, આહવા, ઊંઝા, જલાલપોર, ખેરાલુ, માંડવી, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા મળી કુલ ૧૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય ૪૦ તાલુકાઓમાં ૨ ઇંચ અને ૫૩ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે કુલ ૨૦૭ જળાશયોમાં ૭૬.૬૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા યોજનામાં કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જળસંપત્તિ વિભાગના પૂરનિયંત્રણ કક્ષના અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાયના ૨૦૬ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૭૧.૩૫ ટકા જેટલો થયો છે. આ ઉપરાંત ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, અન્ય ૩૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતાં હાઈએલર્ટ પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરેરાશ કુલ ૯૩ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૪૩.૨૨ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૪૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૪.૪૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૭૭.૭૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૯૦.૪૯ ટકા મોસમનો સરેરાશ વરસાદ નોંધાયો છે. (AIR NEWS)