રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. ગઇકાલે રાજ્યના 40 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં જિલ્લાના કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ચીખલી, ખેરગામ, તલાલા, વાપી, થાનગઢ, ઉમરગામ, વઘઈ, વલસાડ, વેરાવળ, વાંસદામાં પણ બેથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને કારણે ભારતીય વાયુસેનાના ખાસ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ NDRFની ટીમ સુરત પહોંચી છે. આ ટીમો કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
દરમિયાન રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમ-જળાશયોમાં પાણીની મોટી આવક થતાં હાઇ એલર્ટ પર મુકાયા છે.
અમરેલી જિલ્લાનો ધારી ખોડીયાર ડેમ 90 ટકા ભરાઈ જતા આસપાસના 46 ગામડાંઓને સાવચેત રહેવા જણાવ્યું છે.
ભરૂચના ઝઘડીયાના ધોલી ડેમ પણ 90 ટકા ભરાતાં ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી માધુમતી ખાડીના કિનારે આવેલા 13 ગામોને સાવચેત કરાયા છે.
નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસરી રહયા હોવાથી જાનમાલનું નુકશાન અટક્યું છે. ઔંરગા નદીના પૂર ઓસરતા કાંઠા આસપાસના ગામડામાંથી 400 જેટલા પરિવારને વલસાડમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવાયા બાદ ઘોધા, વેરાવળ, જાફરાબાદ, પોરબંદર, ઓખા અને સલાયા બંદરે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને બેટ દ્વારકા માટેની ફેરી બોટ સેર્વિસ બંધ કરવામાં આવી છે.
છોટા ઉદેપુરના બોડેલી તાલુકાની નાની બુમડી ગામે કોઝ- વે પર બુધવારે રાત્રે ઇકો કાર તણાઇ હતી. જો કે, પાંચ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.
અમદાવાદ શહેરમાં પણ ગઇ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરની દૂધેશ્વર, ઉસ્માનપુરા, દાણાપીઠ વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઇકાલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તથા પ્રી પોસ્ટ મોનસુન કામગીરી, ટ્રાફિક તથા આરોગ્ય વિભાગની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી - માર્ગદર્શક સૂચનો કર્યા હતા. (AIR NEWS)