A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે આજે વારાણસીમાં એક વિશ્વ ટીબી પરિષદ યોજાઈ

news

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે આજે વારાણસીમાં એક વિશ્વ ટીબી પરિષદ યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટીબી સામેની વૈશ્વિક લડાઈમાં ભારતે ઘણી નવી શરૂઆત કરી છે. જનભાગીદારીની તાકાત સાથે સરકારના સતત પ્રયાસોને કારણે દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ટીબી સામેની લડાઈમાં મળેલી સિદ્ધિઓ વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે આજે ટીબીની સારવારમાં વપરાતી 80 ટકા દવાઓ ભારતમાં બની રહી છે.

પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિવિધ યોજનાઓ હેઠળ ટીબીના 75 લાખ દર્દીઓના ખાતામાં 2000 કરોડથી વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી કે દેશમાં 24 લાખ દર્દીઓ ટીબીથી પીડિત છે અને લગભગ 94 હજાર લોકો આ રોગના કારણે મૃત્યુ પામે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુરોધ બાદ વિદેશમાં રહેતા ભારતીયો સહિત હજારો સ્વયંસેવકો નિ-ક્ષય મિત્ર બનવા માટે આગળ આવ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માહિતી આપી કે દેશમાં ટીબીના 20 ટકા દર્દીઓ ઉત્તરપ્રદેશમાં રહે છે અને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 16 લાખ 90 હજાર દર્દીઓને 420 કરોડ રૂપિયાથી વધુની આર્થિક મદદ મળી છે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ટીબીમાં પ્રગતિ માટે પસંદગીના રાજ્યો અને જિલ્લાઓને પુરસ્કાર પણ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. બાદમાં વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં 1 હજાર 780 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સમાં વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધીનો રોપવે, ઇસરવાર ગામમાં એલપીજી પ્લાન્ટ, 2 મેગાવોટના અને કોનિયા પમ્પિંગ સ્ટેશન ખાતે 800 કિલોવોટના સૌરઊર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે. (AIR NEWS)

388 Days ago

Video News