હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત સૌરાષ્ટ્રના દેવળિયા, પાળિયાદ, સનેસ, માઢિયા, ખેતાખાટલી, કમળેજ સહિતના વિસ્તારોના ગામોને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહીના પગલે વહીવટી તંત્રએ ભાલ પંથકના ગામોને અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે.
અમારા ભાવનગરના પ્રતિનિધી જણાવે છે કે, શેત્રુંજી ડેમના 15 ગેટ ફરી એક ફૂટ ખોલાયા છે. જ્યારે સિહોર તાલુકાનું ગૌતમેશ્વર તળાવ ગઇકાલે સાંજે આવરફ્લો થતાં નગરજનોએ પાણીના વધામણા કર્યા હતા.. ભાવનગરમાં ગઇકાલે દોઢ ઇંચ જેટલો વરસાદ થયા બાદ આજે પણ જોરદાર ઝાપટાં થયા છે.
માંડવી તાલુકાના કાંકરાપાર ડેમમાંથી પાણી છોડાતા બલાલ તીર્થ, વરેઠ, નાનીચેર, રતનીયા સહિતના બાર ગામોને એલર્ટ કરાયા છે. ડેમની સપાટી કરતાં આઠ ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું હોવાથી લોકોને નદીના વહેણ તરફ ન જવા અપીલ કરાઇ છે.
કચ્છના મુંદ્રા તાલુકાનો બાબિયા ડેમ પણ ઓવરફ્લો થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઇ છે. (AIR NEWS)